Utsav darshan: Holi | Dhuleti, Holi-images-Photos-2021

What does Holi-Dhuleti mean? Why do we celebrate Holi & Dhuleti?

holi-dhuleti-art-image-photo

ફાગણ સુદ પુનમ એટલે હોલિકોત્સવ, તે દિવસે લોકો થોડા મુક્ત મને વિહરે છે . કડક શિસ્ત અને શિથિલ સ્વૈરાચાર ની વચ્ચેનું મધ્યમ બિંદુ જે શોધી શકે તે જ હોળીનો ઉત્સવને મનભર માણી શકે.

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત(india), સુરીનામ(suriname), ગુયાના(guyana), ટ્રિનિદાદ(Trinidad), યુનાઇટેડ કિંગડમ(United Kingdom) અને નેપાળ(Nepal)માં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજ દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ” ની કથા બહુ જાણીતી છે.

આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર “કામ દહન” તરીકે ઓળખાય છે.

હોળીનો ઉત્સવ વસંતને વધાવતો ઉત્સવ ! પરંતુ વસંતના વૈભવમાં પણ સંયમનું સૂત્ર ભુલાવું જોઇએ નહીં . ભગવાન શિવજીએ કરેલું કામ — દહન પણ એક સુંદર વાત સમજાવી જાય છે . વસંતને નિમિત્ત બનાવીને જો કામ શિવત્વ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરે તો તે પિતાને વિનાશ સર્જે છે . મર્યાદામાં રહે તો કામ એ ભગવાનની વિભૂતિ છે અને મર્યાદા ચૂકે તો તે આત્મઘાતક બને.

કથાઓ:

હોળીના ઉત્સવની પાછળ રહેલી કથા પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. એક માન્યતા અનુસાર, હિરણ્યકશ્યપુ નામે એક રાક્ષસ હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા તેનું મૃત્યુ થશે નહીં’, આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું. તેને સર્વત્ર હિરણ્ય એટલે કે સોનું જ દેખાય ! ભોગ જ એના જીવનનો પ્રધાન ભાવ હતો . રાક્ષસ એટલે ખાઓ , પીઓ અને મઝા કરો એવી મનોવૃત્તિનો માનવ ; ભોગ સિવાય જે હાલે નહીં અને સ્વાર્થ સિવાય ડગલું ભરે નહીં . તેના રાજ્યમાં પણ તેણે સૌને રોટલો અને ઓટલો મળે તેટલું જ જોવાના પ્રયત્ન કર્યો ,લોકોના ભાવજીવન તરફ તેણે સદંતર દુર્લક્ષ્ય સેવ્યું, પોતાની જાતને જ ભગવાન સમજનાર તે બીજા ભગવાનનો કયાંથી સ્વીકાર કરે ?

કાદવમાં કમળની માફક તેને ત્યાં પ્રહલાદ જેવો ભક્તપુત્ર જન્મ્યો. પ્રહૂલાદ જ્યારે ગર્ભ માં હતો ત્યારે તેની માતા નારદના આશ્રમમાં રહી હતી ; ત્યાંના સંસ્કારોની અસર પ્રહૂલાદ પર પડી હતી . પ્રહલાદનું અંતઃકરણ ભગવદ્ ભક્તિથી ભરેલું હતું. પ્રહલાદ, ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેના પિતાએ તેને બદલવાના અનેક પ્રયત્નો કર્યા પણ નિષ્ઠાવાન બાળકને બદલવામાં તે અસમર્થ રહ્યો.ત્યાર બાદ તેણે તેને મારવાના પ્રયત્ન શરૂ કર્યા . તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. પ્રહલાદનો ઈશ્વરવાદ જો સર્વત્ર ફેલાઈ જાય તો ભોગવાદ પર ઊભા રહેલા તેના રાજ્યનાં મૂળિયાં હચમચી જાય. આસુરી વૃત્તિનો બાપ , દીકરાની આવી વાતો કેમ સાંખી લે ? પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નોમાંનો એક પ્રયત્ન એટલે તેને જીવતા જ અગ્નિમાં બાળી મૂકવો . પ્રહલાદે અગ્નિમાંથી ઉઠીને ભાગી ન જાય માટે તેને તેની ફોઈના ખેાળામાં બેસાડવો. હિરણ્યકશ્યપુની બહેન હોળિકાને વરદાન હતું કે જો તે સદ્રવૃત્તિના માનવને કનડશે નહીં તો અગ્નિ તેને બાળશે નહીં. પોતાના ભાઈના આગ્રહને વશ થઈને હોલિકાએ પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસવાનું કબૂલ્યું . પરિણામ જે આવવું જોઇએ તે જ આવ્યું . હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ જ્યારે સદ્વૃત્તિનો ઈશ્વરનિષ્ઠ પ્રલાદ હસતા રમતા બહાર આવ્યો. પ્રહલાદ નાનો હતો , જગતમાં પણ સદ્વૃવૃત્તિના લોકો અલ્પ સંખ્યામાં જ હોય છે . પરંતુ જો તેઓ સંનિષ્ઠ હોય , પ્રભુનિષ્ઠ હોય તેમજ તપસ્વી અને ક્રિયાશીલ હોય તે વ્યાપક એવી અસદ્વૃત્તિ પણ તેમને મારી શકતી નથી. આવો અનુપમ સંદેશ હાળીનો ઉત્સવ આપણને આપે છે. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.

આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.

હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.

હોલિકા પૂજન શા માટે?

પ્રશ્ન એ થાય છે કે જે હોલિકાએ પ્રહલાદ જેવા પ્રભુભક્તને બાળવાનો પ્રયત્ન કર્યો તે હોલિકાનું હજારો વર્ષથી આપણે પૂજન શા માટે કરીએ છીએ ? હોલિકાના પૂજનની પાછળ એક બીજી જ વાતનું સ્મરણ રહેલું છે. જે દિવસે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા લોકોએ ઘર-ઘર માં અગ્નિ પ્રગટાવીને પ્રહલાદને ન ખાળવા અગ્નિદેવને પ્રાર્થના કરી હતી. લોકહૃદયને પ્રહલાદે કેવું જીતી લીધું હતું તેનું આ ઘટનામાં પ્રતિબિંબ પડે છે. અગ્નિએ લોકોની અંત:કરણની પ્રાર્થના સ્વીકારી અને લોકોએ ઇચ્છયું હતું તેવું જ થયું. હોલિકા નષ્ટ થઈ અને અગ્નિ કસોટી માંથી પાર ઊતરેલો પ્રફ્લાદ નર શ્રેષ્ઠ બન્યો. પ્રહલાદને બચાવવાની પ્રાર્થના રૂપે ચાલુ થયેલી ઘર-ઘર ની અગ્નિપૂજાએ કાળક્રમે સામુદાયિક પૂજાનું રૂપ લીધું અને તેમાંથી જ ધીરે-ધીરે ચોરેચૌટે ચાલતી રહેલી હોલિકા પૂજા શરૂ થઈ. એ રીતે જોતાં હોલિકા પૂજન એ અસદ્વૃત્તિ ના નાશ માટે તેમજ સદ્વૃત્તિના રક્ષણ માટે લોકોના હૃદયમાં રહેલી શુભ ભાવનાનું પ્રતીક છે . અને તેથી જ લોકો હર્ષ પૂર્વક હોલિકાનું સ્વાગત કરે છે.

ધુળેટીનો અર્થ શું છે ? આપણે ધુળેટી કેમ ઉજવીએ છીએ?

પ્રહલાદે નાનાં , મોટાં સૌને પ્રાણવાન બનાવ્યા છે . હિરણ્યકશ્યપુને મારવા થાંભલામાંથી નરસિંહ પ્રગટ્યો તે આ જ , થાંભલા જેવા જડ, ચેતનાશૂન્ય અને નિષ્ક્રિય બની ગયેલા લોકોમાં પ્રહલાદે પ્રાણ પૂર્યા ; નરમાં સિંહ પ્રગટાવ્યો. નરમાંનો પ્રેમ અને સિંહમાં રહેલો અવિવેક કે સાહસ એકત્ર મળ્યા અને હિરણ્યકશ્યપુ હણાયો. લોકહૃદયમાં રહેલા પ્રહલાદ માટેના પ્રેમે લોકોને અવિવેકી બનાવ્યા ; અને તેમનામાં નિર્માણ થયેલી સાહસવૃત્તિએ તેમને હિરણ્યકશ્યપુને મારવા પ્રેર્યો . હિરણ્યકશ્યપુને નર કે પશુ , ઘરમાં કે બહાર , રાત્રે કે દિવસે કોઈ મારી ન શકે એવું જે વરદાન હતું તે તેની અતિશય કડક જાતરક્ષણની વ્યવસ્થાનું દ્યોતક છે . અસત્વૃત્તિ અંદરથી ડરેલી જ હોય છે . તે પોતાના રક્ષણની હુંમેશા આવી કડક વ્યવસ્થા જ રાખે છે . પરંતુ જનમાનસમાં જાગૃતિ નિર્માણ થયા પછી એ વિરાટ નરસિંહ પાસે અસત્વૃત્તિએ નમવું જ પડે છે . લોકજાગૃતિ અને લોકસંગઠન પાસે દુષ્ટવૃત્તિનો પરાભવ થાય છે ; એ વાત હોળી આપણને સમજાવે છે.

પરંપરા:

ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી’ થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને ‘બીજો પડવો’,’ત્રીજો પડવો’ એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.

હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની ‘લાણ’ વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.

સંગીતમાં હોળી:

હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને “હોળીનાં ફાગ” તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.

વૈષ્ણવ ધર્મમાં રાધા-કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીનાં વર્ણનનાં સુંદર ગીતો મળી આવે છે. જે મહદાંશે વ્રજ ભાષામાં હોય છે.

ભારતનાં મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:

  • “રંગ દે ચુનરિયા..”-મીરાં બાઈ,
  • “કિનુ સંગ ખેલું હોલી..”-મીરાં બાઈ.

અંત માં એટલુંજ કે…

હોળીમાં કેવળ નકામી ચીજો કે કચરો જ નહીં પણ આપણા જીવનમાં રહીને આપણને પજવતા રહેલા ખોટા વિચારો તેમજ મનના મેલ કે કચરાને પણ બાળવો જોઇએ . સંઘનિષ્ઠાને શિથિલ બનાવનાર ખોટા તર્ક — કુતર્કોનું હાળીમાં દહન કરવું જોઈએ . વળી શક્તિ અને સમજના અભાવમાં દિલમાં રહેલી કેવળ ભોળી ભાવના કે આશા પણ કાર્યસાધક બનતી નથી ; તેથી જડવાદ કે ભાગવાદની સામે લડનાર પ્રભુનિષ્ઠ સૈનિક ભાવયુક્ત બુદ્ધિ તેમજ બુદ્ધિનિષ્ઠ ભાવનાથી સુસજ્જ હોવા જોઇએ.

હોળીના ઉત્સવમાં થોડી અશ્લીલતા ભળી તેનું કારણ તે સાર્વજનીન ઉત્સવ છે. સમાજના બધા જ સ્તરના લોકોના સંસ્કારોનું સંમિશ્રિત રૂપ ત્યાં જોવા મળે છે.

ટૂંકમાં , હોળીનો ઉત્સવ એ ફાગણના રંગથી આપણા જીવનને રંગીન બનાવતો , વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સંઘનિષ્ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસદ્દવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.

હેપ્પી હોળી🙏 🙏

સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો | Swadhyay Parivar Bhavgeet & shlok

Originally published at https://www.swadhyay.online.

Swadhyay is one of the best thing happened to human life. For More Detail Visit at https://www.swadhyay.online

Get the Medium app

A button that says 'Download on the App Store', and if clicked it will lead you to the iOS App store
A button that says 'Get it on, Google Play', and if clicked it will lead you to the Google Play store